અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

  • આચારસંહિતા અમલમાં આવતાં જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ
  • આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા દિવસે 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ

અમદાવાદ : ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ દેવામાં આવી છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી 3022 વોલ પેઇન્ટિંગ, 767 પોસ્ટર, 253 બેનર અને અન્ય 876 એમ કુલ 4918 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો  પરથી 1142 વોલ પેઇન્ટિંગ, 165 પોસ્ટર, 429 બેનર અને અન્ય 374 એમ કુલ 2110 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.

આ ઉપરાંત જાહેર મિલકત પરની 1063 તથા ખાનગી મિલકતો પરથી 1170 પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણની  કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેવાની છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે અને સક્રિયપણે સતત કામગીરી કરી રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *